ગર્ભાવસ્થા દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ, પગની ઘૂંટીમાં સોજો અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે. આ જ કારણસર "પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી" (Peripartum Cardiomyopathy – PPCM) ને ઓળખવી ઘણી વખત મુશ્કેલ બની જાય છે. આ એક દુર્લભ પરંતુ ગંભીર સ્થિતિ છે, જેમાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં અથવા પ્રસૂતિ પછીના કેટલાક મહિનાઓમાં હૃદયનું સ્નાયુ નબળું પડી જાય છે. તેના શરૂઆતના લક્ષણો સામાન્ય ગર્ભાવસ્થાની તકલીફો જેવા જ હોવાથી તેને ઓળખવામાં વિલંબ થઈ શકે છે. આ બ્લોગમાં આપણે જાણીશું કે PPCM શું છે, કોને તેનું જોખમ વધારે હોય છે, તેનું નિદાન કેવી રીતે થાય છે અને સામાન્ય રીતે સાજા થવાની પ્રક્રિયા કેવી હોય છે. સાથે જ ભારતમાં PPCM કેટલું જોવા મળે છે તેની માહિતી પણ જાણીશું.
પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી શું છે?
પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી એ હાર્ટ ફેલ્યોરનું એક સ્વરૂપ છે, જે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં અથવા બાળકના જન્મ પછીના પ્રથમ પાંચ મહિનામાં વિકસે છે. સામાન્ય રીતે એવી મહિલાઓમાં આ સ્થિતિ જોવા મળે છે જેમને અગાઉ હૃદયની બીમારીનો ઇતિહાસ ન હોય.
આ સ્થિતિમાં હૃદયના ડાબા વેન્ટ્રિકલ (Left Ventricle), જે હૃદયનો મુખ્ય પમ્પિંગ ચેમ્બર છે, તેનું સ્નાયુ નબળું અને ક્યારેક મોટું થઈ જાય છે. પરિણામે હૃદય શરીરમાં લોહી અસરકારક રીતે પમ્પ કરી શકતું નથી.
મહત્વપૂર્ણ તથ્ય: વિશ્વભરમાં PPCM આશરે 2,000 ગર્ભાવસ્થામાંથી 1 ગર્ભાવસ્થામાં જોવા મળે છે. જોકે અલગ-અલગ વિસ્તારોમાં તેનો દર ઘણો અલગ હોઈ શકે છે. જાપાનના કેટલાક વિસ્તારોમાં તે 20,000માંથી 1 જેટલો ઓછો જોવા મળે છે, જ્યારે નાઇજીરિયામાં 100માંથી 1 જેટલો ઊંચો દર નોંધાયો છે. નાઇજીરિયામાં વિશ્વના સૌથી વધુ નોંધાયેલા PPCM દરોમાંથી એક જોવા મળે છે. (source: PMC)
ભારતીય પરિપ્રેક્ષ્ય: ભારતીય અભ્યાસોના એક સંયુક્ત વિશ્લેષણ મુજબ PPCMનો દર આશરે 1,340 જીવંત જન્મોમાંથી 1 છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે. ભારતીય મહિલાઓમાં PPCMના મોટાભાગના કેસ પ્રસૂતિ પહેલાં કરતાં પ્રસૂતિ પછીના સમયગાળામાં જોવા મળે છે અને દર્દીઓની સરેરાશ ઉંમર આશરે 27 વર્ષ હતી.(source: Journal of Clinical and Preventive Cardiology) ભારતમાં PPCMની ઓળખ કરવામાં વિલંબ હજુ પણ એક મહત્વપૂર્ણ પડકાર છે, કારણ કે તેના લક્ષણો ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં થતી સામાન્ય તકલીફો જેવા જ હોય છે.
PPCMને ઓળખવી આટલી મુશ્કેલ કેમ છે?
પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથીના લક્ષણો સામાન્ય ગર્ભાવસ્થામાં જોવા મળતા ઘણા લક્ષણો જેવા જ હોય છે. આ કારણે તેનું નિદાન ઘણી વખત મોડું થાય છે.
સામાન્ય લક્ષણોમાં સામેલ છે:
- શારીરિક પ્રવૃત્તિ દરમિયાન અથવા સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ
- પગ, પગની ઘૂંટી અથવા પગના નીચેના ભાગમાં સોજો
- વધારે થાક લાગવો
- હૃદયના ધબકારા ઝડપી અથવા અનિયમિત લાગવા
- રાત્રે વારંવાર પેશાબ માટે ઊઠવું
- ઊભા થતી વખતે બ્લડ પ્રેશર ઓછું થવું અથવા ચક્કર આવવા
- ગળાની નસોમાં સોજો અથવા નસો વધુ દેખાવા
આ શા માટે મહત્વપૂર્ણ છે?
આ લક્ષણો સામાન્ય ગર્ભાવસ્થામાં પણ જોવા મળતા હોવાથી ઘણી મહિલાઓ ગંભીર લક્ષણોને સામાન્ય ગર્ભાવસ્થાનો ભાગ માનીને ડૉક્ટરની સલાહ લેતી નથી. કેટલીક મહિલાઓમાં બાળકના જન્મ પછી લક્ષણો વધુ સ્પષ્ટ થાય છે.
તમે શું કરી શકો?
- જો શ્વાસ લેવામાં તકલીફ, સોજો અથવા થાક સામાન્ય કરતાં વધારે લાગે અથવા ઝડપથી વધતો જાય, તો તેને માત્ર "ગર્ભાવસ્થાની સામાન્ય તકલીફ" માનીને અવગણશો નહીં. તમારા ડૉક્ટરને તેની જાણ કરો.
- સતત હૃદયના ધબકારા વધવા, ધબકારા અનિયમિત લાગવા અથવા સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ખાસ કરીને વહેલી તકે તબીબી તપાસ કરાવવી જરૂરી છે.
કોને PPCMનું જોખમ વધારે હોય છે?
કેટલાક પરિબળો પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથીના જોખમ સાથે જોડાયેલા છે:
- ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ: પ્રી-એક્લેમ્પસિયા (Preeclampsia) જેવી સ્થિતિઓ PPCM સાથે મજબૂત રીતે સંકળાયેલી છે. ભારતીય અભ્યાસોના સંયુક્ત વિશ્લેષણમાં લગભગ અડધા દર્દીઓમાં આવી સમસ્યાઓ જોવા મળી હતી.
- એનિમિયા: ભારતીય અભ્યાસોમાં એનિમિયા પણ PPCM સાથે સામાન્ય રીતે જોવા મળ્યો છે અને તે બાળક માટેના કેટલાક ખરાબ પરિણામો સાથે જોડાયેલો હોઈ શકે છે.
- એકથી વધુ બાળકોની ગર્ભાવસ્થા: જોડિયા અથવા તેનાથી વધુ બાળકોની ગર્ભાવસ્થા PPCM માટે વિશ્વભરમાં જાણીતા જોખમી પરિબળોમાંથી એક છે.
- માતાની વધુ ઉંમર: ઉંમર વધવાની સાથે જોખમમાં થોડો વધારો થઈ શકે છે, જોકે ભારતમાં PPCM ધરાવતી મહિલાઓની સરેરાશ ઉંમર ઘણી વખત પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
- અગાઉ PPCM થયું હોય: અગાઉ પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી થઈ ચૂકી હોય તો આગામી ગર્ભાવસ્થામાં તે ફરી થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.
પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથીનું નિદાન કેવી રીતે થાય છે?
PPCMને ઘણી વખત "ડીએગોનસીસ ઓફ એક્સકલુશિઓન" કહેવામાં આવે છે. એટલે કે, આ નિદાન કરતા પહેલાં ડૉક્ટરોએ હાર્ટ ફેલ્યોરના અન્ય સંભવિત કારણોને દૂર કરવા પડે છે.
મુખ્ય તપાસો
- ઇકોકાર્ડિયોગ્રામ (Echocardiogram): આ PPCM માટેની મુખ્ય તપાસ છે. તેમાં હૃદયના સ્નાયુની શક્તિ અને હૃદય કેટલું લોહી પમ્પ કરે છે તે જોવા મળે છે. તેમાં ઇજેક્શન ફ્રકશન(EF) પણ માપવામાં આવે છે.
- ECG: હૃદયની ધબકારાની ગતિ અને લયમાં રહેલી અનિયમિતતાઓ શોધવામાં મદદ કરે છે.
- બ્લડ ટેસ્ટ: હાર્ટ ફેલ્યોરના અન્ય કારણોને શોધવા અથવા દૂર કરવામાં મદદ કરી શકે છે.
સારવાર અને સાજા થવાની પ્રક્રિયા
PPCMની સારવાર સામાન્ય રીતે હાર્ટ ફેલ્યોરની સારવારના સિદ્ધાંતો પર આધારિત હોય છે. જોકે ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન દવાઓની સલામતીને ધ્યાનમાં રાખીને સારવારમાં ફેરફાર કરવો જરૂરી બની શકે છે.
દવાઓ
સારવારમાં પરિસ્થિતિ પ્રમાણે નીચેની દવાઓનો સમાવેશ થઈ શકે છે:
- ACE ઈન્હિબિટોર્સ અથવા ARBs: સામાન્ય રીતે પ્રસૂતિ પછી ઉપયોગમાં લેવાય છે.
- બીટા-બ્લોકર્સ: હૃદયના ધબકારા અને હૃદય પરનો ભાર નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
- ડીયુરેટીક્સ: શરીરમાં વધારાનું પ્રવાહી અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
ગર્ભાવસ્થા દરમિયાન અથવા સ્તનપાન કરાવતી વખતે કઈ દવા યોગ્ય છે તે ડૉક્ટર નક્કી કરે છે.
નિયમિત દેખરેખ
હૃદયની કાર્યક્ષમતા સુધરી રહી છે કે નહીં તે જાણવા માટે નિયમિત ઇકોકાર્ડિયોગ્રામ કરવામાં આવી શકે છે. ઘણી વખત લગભગ છ મહિનાની આસપાસ હૃદયની સ્થિતિનું ફરી મૂલ્યાંકન કરવામાં આવે છે.
નિષ્ણાતોની દેખરેખ
PPCMનું સંચાલન ઘણી વખત કાર્ડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ/ઓબ્સ્ટેટ્રિશિયન સાથે મળીને કરે છે, કારણ કે માતા અને બાળક બંનેની સલામતી ધ્યાનમાં લેવી જરૂરી હોય છે.
સામાન્ય રીતે રિકવરી કેવી હોય છે?
મહત્વપૂર્ણ તથ્ય: PPCMમાંથી સાજા થવાની પ્રક્રિયા દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે.
અભ્યાસોના આધારે આશરે 46% દર્દીઓમાં છ મહિનાની અંદર હૃદયની કાર્યક્ષમતા સામાન્ય સ્તરે પાછી આવી શકે છે, જ્યારે આશરે 23% દર્દીઓમાં હૃદયની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે ઓછી રહી શકે છે અને લાંબા ગાળાના હાર્ટ ફેલ્યોરનો વિકાસ થઈ શકે છે.
નિદાન સમયે Ejection Fraction જેટલું ઓછું હોય, તેટલું પરિણામ નબળું રહેવાનું જોખમ વધારે હોઈ શકે છે.
હૃદયની કાર્યક્ષમતા સુધરે પછી પણ દેખરેખ કેમ જરૂરી છે?
જો હૃદયની કાર્યક્ષમતા સામાન્ય થઈ જાય તો પણ નિયમિત તબીબી દેખરેખ બંધ કરવી યોગ્ય નથી.
કેટલીક મહિલાઓમાં ભવિષ્યમાં ફરી હાર્ટ ફેલ્યોરના લક્ષણો અથવા હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. કેટલાક દર્દીઓમાં હૃદયની કાર્યક્ષમતા સામાન્ય થયા પછી પણ કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો રહી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા અંગે શું ધ્યાનમાં રાખવું?
જે મહિલાને અગાઉ PPCM થયું હોય તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય છે.
આગામી ગર્ભાવસ્થામાં PPCM ફરી થવાનું જોખમ નોંધપાત્ર હોઈ શકે છે. અલગ-અલગ અભ્યાસોમાં પુનરાવર્તનનો દર આશરે 10% થી 50% સુધી અલગ જોવા મળ્યો છે. ખાસ કરીને જો અગાઉની PPCM પછી હૃદયની કાર્યક્ષમતા સંપૂર્ણપણે સામાન્ય ન થઈ હોય તો આગામી ગર્ભાવસ્થામાં પરિણામો વધુ ગંભીર હોઈ શકે છે.
તમે શું કરી શકો?
- બીજી ગર્ભાવસ્થા અંગે વિચારતા પહેલાં તમારા કાર્ડિયોલોજિસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન સાથે પરિવાર આયોજન અને ગર્ભનિરોધક વિકલ્પો અંગે ચર્ચા કરો.
- આગામી ગર્ભાવસ્થા અંગે વિચારતા પહેલાં તમારા હૃદયની ઇજેક્શન ફ્રકશન સુધરીને સામાન્ય થઈ છે કે નહીં તે ડૉક્ટરની સલાહથી તપાસાવો.
- હૃદયની કાર્યક્ષમતા સંપૂર્ણપણે સુધરી ગઈ હોય તો પણ PPCM ફરી થવાનું જોખમ સંપૂર્ણપણે દૂર થતું નથી. તેથી ગર્ભાવસ્થા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
નિષ્કર્ષ
પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી દુર્લભ છે, પરંતુ તે ગંભીર તબીબી સ્થિતિ છે. તેની ખાસિયત એ છે કે તેના લક્ષણો સામાન્ય ગર્ભાવસ્થાની તકલીફો જેવા દેખાઈ શકે છે. ગર્ભવતી અથવા તાજેતરમાં બાળકને જન્મ આપેલી મહિલામાં જો શ્વાસ લેવામાં ગંભીર અથવા અચાનક તકલીફ, પગમાં વધારે સોજો, સતત ધબકારા અથવા સામાન્ય કરતાં વધારે થાક જોવા મળે, તો તેને માત્ર ગર્ભાવસ્થાનો સામાન્ય ભાગ માનીને અવગણવું નહીં. વહેલી તકે નિદાન અને યોગ્ય સારવારથી ઘણી મહિલાઓમાં હૃદયની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે સુધરી શકે છે. તેથી લક્ષણોને વહેલી તકે ઓળખવા અને તબીબી સલાહ લેવી ખૂબ મહત્વપૂર્ણ છે.
મુખ્ય મુદ્દાઓ
- પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી એ હાર્ટ ફેલ્યોરનું એક સ્વરૂપ છે, જે ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં અથવા પ્રસૂતિ પછીના પ્રથમ પાંચ મહિનામાં થઈ શકે છે.
- તેના મુખ્ય લક્ષણો — શ્વાસ લેવામાં તકલીફ, સોજો, થાક અને હૃદયના ધબકારા — સામાન્ય ગર્ભાવસ્થાના લક્ષણો જેવા હોઈ શકે છે.
- ભારતીય અભ્યાસોના સંયુક્ત વિશ્લેષણમાં PPCMનો દર આશરે 1,340 જીવંત જન્મોમાંથી 1 નોંધાયો છે.
- ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ અને એનિમિયા ભારતીય દર્દીઓમાં PPCM સાથે સામાન્ય રીતે સંકળાયેલા જોવા મળ્યા છે.
- આશરે 46% દર્દીઓમાં છ મહિનાની અંદર હૃદયની કાર્યક્ષમતા સામાન્ય થઈ શકે છે, જ્યારે આશરે 23%માં હૃદયની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે ઓછી રહી શકે છે.
- અગાઉ PPCM થઈ ચૂકી હોય તેવી મહિલાઓએ આગામી ગર્ભાવસ્થા અંગે નિર્ણય લેતા પહેલાં કાર્ડિયોલોજિસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન સાથે વિગતવાર ચર્ચા કરવી જોઈએ, કારણ કે PPCM ફરી થવાનું જોખમ રહે છે.
સંદર્ભો
- Cleveland Clinic: Peripartum Cardiomyopathy: Symptoms & Treatment
- UPMC: Peripartum Cardiomyopathy Causes, Symptoms, and Treatment
- PMC: Peripartum Cardiomyopathy in India
- Journal of Clinical and Preventive Cardiology: Peripartum Cardiomyopathy in Indian Population: A Pooled Analysis



